GUJARAT : દેવા માફીની માગ સાથે કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ યાત્રા’, આવતીકાલે સોમનાથથી થશે શરુઆત

0
40
meetarticle

ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અહેવાલો મુજબ, રાજ્યના 16,000 જેટલા ગામોમાં લગભગ 42 લાખ હેક્ટર જમીનમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોની આ કફોડી હાલત વચ્ચે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે, જેમાં કોંગ્રેસ હવે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા મેદાને ઉતરી છે.

સોમનાથથી પ્રારંભ, 10 જિલ્લામાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’

ખેડૂતોને થયેલા નુકસાન અને દેવા માફીની માંગને બુલંદ કરવા માટે કોંગ્રેસે ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રાનો પ્રારંભ આવતીકાલે, 6 નવેમ્બરના રોજ ગીર સોમનાથની પવિત્ર ધરતી પરથી થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ આ યાત્રા શરુ થશે, જેની શરુઆત પહેલા નેતાઓ સોમનાથ મંદિરમાં દર્શન કરશે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગને વધુ મજબૂત બનાવવાનો છે.

સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવાનો પ્રયાસ 

આ ‘ખેડૂત આક્રોશ યાત્રા’ સૌરાષ્ટ્રના કુલ 10 જિલ્લાઓને આવરી લેશે. તે ગીર સોમનાથથી શરુ થઈને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદર થઈને 13 નવેમ્બરના રોજ દ્વારકામાં સમાપન થશે. યાત્રા દરમિયાન, કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના ખેતર સુધી જઈને તેમની સમસ્યાઓ અને વેદના જાણવાનો પ્રયાસ કરશે. રાજકીય વિશ્લેષકોના મતે આ યાત્રા દ્વારા કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

દેવા માફી માટે ધારાસભ્ય પગાર આપવા તૈયાર

ખેડૂતોના દેવા માફીના મુદ્દે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર રજૂઆત કરી છે. પત્રમાં તેમણે કહ્યું છે કે જો સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે, તો તેઓ ધારાસભ્ય તરીકેનો પોતાનો પગાર આ દેવા માફીમાં આપવા તૈયાર છે. કોંગ્રેસના આ મોટા નેતાઓમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, તેમજ સાંસદ ગેનીબહેન ઠાકોર સહિતના આગેવાનો યાત્રામાં જોડાશે.

સરકારની જાહેરાત: 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી

બીજી તરફ, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને રાહત આપવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવથી ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. મંત્રીએ માહિતી આપી કે મગફળીના પાકને ધ્યાને લઈ સરકાર 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરુ કરશે અને ખેડૂતોને SMS દ્વારા જથ્થો પહોંચાડવા માટેની જાણકારી આપવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here