GUJARAT : નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા

0
21
meetarticle

નડિયાદ શહેરના એસ.ટી. ડેપો પાસે આવેલી હોટલ ‘બ્લ્યુરૂમ’માં એસ.ઓ.જી.એ દરોડો પાડી પોરબંદરના બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે. પોલીસની તપાસમાં અલગ અલગ મોંઘી બ્રાન્ડની દારૂની કુલ ૩૬ બોટલો મળી આવી છે, જેની કિંમત ૧.૩૪ લાખથી વધુ થાય છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કુલ ૧.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં રાત્રિ પેટ્રોલિંગ અને હોટલો તેમજ મુસાફરખાનાઓ ચેક કરવા મળેલી સૂચનાના પગલે એસ.ઓ.જી. શાખા દ્વારા નડિયાદ શહેરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, શહેરની કેટલીક હોટલોમાં શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી છે. જેના આધારે એસ.ટી. ડેપો પાસે આવેલી હોટલ ‘બ્લ્યુરૂમ’માં તપાસ હાથ ધરતા ત્યાં રોકાયેલા બે શખ્સોની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે હોટલના રૂમની તલાશી લેતા ત્યાંથી પોરબંદરના બે રહેવાસીઓ મળી આવ્યા હતા અને તેમના સામાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેઓ પ્રકાશ માવજીભાઇ પાંજરી (રહે. પંચાયત ચોક, છાયા, પોરબંદર) અને વિશાલ દિનેશભાઇ સેરાજી (રહે. ખારવાવાડ, પોરબંદર) હોવાનું ખુલ્યું હતું.પોલીસે તેમના કબજામાંથી પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. જેમાં એબ્સોલ્યુટ રાસ્પબેરી વોડકાની ૧૦ બોટલ જેની કિંમત ૩૦,૯૦૦ રૂપિયા, ડયુઅર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૬ બોટલ જેની કિંમત ૧૮,૯૦૦ રૂપિયા, બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૧૨ બોટલ જેની કિંમત ૩૭,૦૮૦ રૂપિયા અને જેમેસન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આઈરીશ વ્હિસ્કીની ૮ બોટલ જેની કિંમત ૪૭,૨૦૦ રૂપિયા અંકાય છે. આમ કુલ ૩૬ નંગ બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂની બોટલો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ૧,૫૦,૬૩૦ રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. પોરબંદરથી નડિયાદમાં આટલી મોટી માત્રામાં મોંઘી બ્રાન્ડનો દારૂ લઈને આ શખ્સો કેમ આવ્યા હતા અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ગુનો રજીસ્ટર કરીને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી હોટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here