GUJARAT : નડિયાદ શહેરમાં ગૌવંશના અવશેષો મળતા હિન્દુ સંગઠનો અને કાઉન્સિલર વચ્ચે તકરાર

0
3
meetarticle

નડિયાદ શહેરના છાંટીયાવાડ વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ મળી આવતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને સ્થાનિક કાઉન્સિલર વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

નડિયાદના છાંટીયાવાડની લીમડી વિસ્તારમાં ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ગૌવંશના કપાયેલા અંગો જોઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ધામક લાગણી દુભાતા તંગદિલી સર્જાઈ હતી. હિન્દુ ધર્મ સેનાના રાજનભાઈ ત્રિપાઠીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગૌવંશના અંગો મળવા એ ખૂબ જ ગંભીર બાબત છે. પ્રાથમિક તપાસમાં કૂતરો આ અંગોને ખેંચીને લાવતો દેખાય છે, પરંતુ કોઈ અજાણ્યા તત્વોએ ગૌવંશની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા ફેંકી દીધા હોવાની પૂરી આશંકા છે.

શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની ૯મી ઘટના બની હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાની તપાસ દરમિયાન હિન્દુ ધર્મ સેનાના આગેવાનો અને સ્થાનિક વોર્ડના કાઉન્સિલર પરાગભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાઉન્સિલરે સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને જણાવ્યું હતું કે, કૂતરો અંગ ખેંચીને લાવ્યો છે ત્યારે આ વાતને ખોટો વળાંક આપવાની જરૂર નથી. આ નિવેદનથી ઉશ્કેેરાયેલા રાજનભાઈએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આ વિષય હિન્દુત્વનો છે અને પોલીસ તપાસનો છે, તમારે આમાં પડવાની જરૂર નથી, તમે તમારું કામ કરો. જેના જવાબમાં પરાગભાઈએ પણ કહ્યું હતું કે, અમે અમારું કામ કરીએ જ છીએ, શું અમે તમને ફોન કર્યોે હતો? આ વિવાદને પગલે વાતાવરણ વધુ ગરમાયું હતું. નડિયાદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી તપાસ હાથ ધરી છે. હિન્દુ સંગઠનોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને દોષિતોને તાત્કાલિક પકડવાની માંગ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here