નડિયાદ શહેરના મધ્યમાંથી પસાર થતી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન મહી કેનાલ હાલમાં ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે. કોલેજ રોડથી પીપલગ હાઈવે સુધીના વિસ્તારમાં કેનાલના પાણી પર કચરાના થર જામી જતાં રોગચાળાનો ભય ફેલાયો છે. સફાઈના અભાવે જળસ્ત્રોત પ્રદૂષિત થવાની સાથે તેમાં દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડથી પીપલગ હાઈવે તરફ જતી મહી કેનાલની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. કેટલાક સમયથી આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં નહીં આવતા વહેતા પાણી પર પ્લાસ્ટિક, સડેલો કચરો અને ઘન કચરાનું જાડું પડ જામી ગયું છે. આ પરિસ્થિતિને કારણે કેનાલનું પાણી હવે પ્રદૂષિત પ્રવાહીના ખાબોચિયા જેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ગણેશ ચતુર્થીના તહેવાર બાદ કેનાલની સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે વિસજત મૂતઓના અવશેષો અને અન્ય ગંદકી પાણીમાં અટવાયેલી પડી છે.રાત્રિના સમયે આ ગંદકીમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધને કારણે આસપાસના રહેવાસીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. કેનાલના પાણીમાં કચરાની સાથે વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો તરતો જોવા મળ્યો છે. જેથી વિસ્તારમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે પણ ગંભીર પડકારો ઉભા થયા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ છતાં પોલીસ કે સિંચાઈ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
સત્વરે સફાઈ કામગીરી શરૂ કરાશે : કાર્યપાલક ઈજનેર
આ મામલે મહી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સૌમિલ પટેલે જણાવ્યું હતું કે, કેનાલ ખુલ્લી હોવાના કારણે ઉપરવાસમાંથી કચરો વહીને અહીં એકત્રિત થાય છે. આ એક ગંભીર સમસ્યા છે અને સત્વરે સફાઈ કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુપરવાઇઝિંગ ઓફિસરને સ્થળ તપાસ માટે મોકલીને વહેલી તકે કચરો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

