વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ અવકાશમાં કુદરતની અદ્ભુત આતશબાજી સમાન ‘ક્વોડરેન્ટિડસ’ ઉલ્કાવર્ષાનો નજારો જોવા મળ્યો હતો. ભારત જન વિજ્ઞાન જાથાની અપીલને પગલે સમગ્ર દેશમાં લાખો અને માત્ર ગુજરાતમાં જ ૨૦ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ જાગીને આ આકાશી ઘટનાને નિહાળી હતી. વાદળોના સામાન્ય અવરોધ વચ્ચે પણ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશ તેજ લીસોટાઓથી ઝળહળી ઉઠ્યું હતું.

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર, ૧ થી ૪ જાન્યુઆરી દરમિયાન આ ઉલ્કાવર્ષાનો પ્રભાવ જોવા મળ્યો હતો. શરૂઆતમાં પ્રતિ કલાક ૮ થી ૧૫ ઉલ્કાઓ દેખાયા બાદ, ૨ અને ૩ જાન્યુઆરીની મધ્યરાત્રિએ તેની તીવ્રતા વધીને કલાકની ૧૫ થી ૧૦૦ ઉલ્કાઓ સુધી પહોંચી હતી. યુરોપમાં આ આંકડો ૩૦ થી ૧૦૦ નોંધાયો હતો. રાજકોટના મેટોડા ગામે રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં બ્રહ્માંડ, ધૂમકેતુ અને ગ્રહો વિશેની રસપ્રદ માહિતી આપી લોકોની જિજ્ઞાસા સંતોષવામાં આવી હતી.
જાથાએ ઉલ્કા વિશે સમજૂતી આપતા જણાવ્યું કે, અવકાશમાં ભટકતો ધૂળ, કાંકરા અને પથ્થરનો ભંગાર જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે હવા સાથેના ઘર્ષણને કારણે તે સળગી ઉઠે છે, જેને આપણે ‘ખરતો તારો’ કહીએ છીએ. દરરોજ અંદાજે ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, જે પૃથ્વીનું વજન પણ વધારે છે. જોકે, મોટાભાગની ઉલ્કાઓ હવામાં જ ભસ્મીભૂત થઈ જતી હોવાથી જમીન પર જાનહાનીનું જોખમ નહિવત રહે છે.
ખગોળવિદોના મતે, કરોડો વર્ષ પહેલા તોતિંગ ઉલ્કા પડવાને કારણે જ પૃથ્વી પરથી ડાયનોસોરનો સફાયો થયો હતો. અમેરિકાના એરિઝોનામાં ૨૨,૦૦૦ વર્ષ પહેલા થયેલા ઉલ્કાપાતથી આજે પણ ૪,૦૦૦ ફૂટ વ્યાસનો વિશાળ ખાડો અસ્તિત્વમાં છે. આજના આધુનિક યુગમાં વિજ્ઞાને એવી પણ ટેકનોલોજી શોધી છે કે જેના દ્વારા ચંદ્ર પરથી પણ ઉલ્કાવર્ષા નિહાળી શકાય છે.
રાજ્યભરમાં યોજાયેલા આ નિદર્શન કાર્યક્રમોમાં વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સરપંચ રમેશભાઈ વિરડીયા, ડૉ. પી.એમ. સખીયા સહિતના મહાનુભાવો અને વિજ્ઞાન જાથાની ટીમે ઉપસ્થિત રહી આ ખગોળીય ઉત્સવને સફળ બનાવ્યો હતો.

