આગામી ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ.૨૭.૫૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે.
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકારશ્રી દ્વારા વડગામ ખાતે ૬૯૮.૦૫ ચો.મી.જમીન પર અંદાજે રૂ.૪ કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે.આ લાઇબ્રેરી ખાતે કુલ ૧૬૯ વિદ્યાર્થીઓને બેસવાના ક્ષમતાવાળી G+૧ ઈમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા ૨૦ હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે. રૂ. ૯.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે. આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે ૨૦૦ મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબીન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રી ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, ૨૦૦ મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે. આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

