નેત્રંગ-રાજપારડી રોડ પર ભોટનગર અને કુરી ગામ વચ્ચે રોંગ સાઈડ પરથી પૂરઝડપે આવી રહેલી એક ઇકો કારે મોટરસાયકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક ૨૨ વર્ષીય યુવાન નિલેશ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે સવાર અન્ય બે મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી ઇકો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.

મળતી વિગતો અનુસાર, કોલીવાડા ગામનો ૨૨ વર્ષીય નિલેશ વસાવા ઝઘડિયા GIDCની કંપનીમાં નોકરી કરતો હતો. ૧૯મી તારીખે તે પોતાના બે મિત્રો અજય વસાવા અને સુમિત વસાવા સાથે નેત્રંગ બજારમાં વાળ કપાવવા ગયો હતો. વાળ કપાવીને પરત ફરતી વખતે કુરી ગામ નજીક સામેથી આવી રહેલી ઇકો કારના ચાલકે ગફલતભરી રીતે રોંગ સાઈડ પર વાહન હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે નિલેશને છાતી અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
અકસ્માતમાં ઘાયલ થયેલા અજય અને સુમિતને જમણા પગે અને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને પ્રથમ નેત્રંગ અને ત્યારબાદ રાજપીપળા થઈ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક યુવાનના પિતા ગણપતભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
