જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આર્મી, સી.આર.પી.એફ અને અન્ય પેરા મિલિટરી સેવાઓમાં જોડાવા ઈચ્છુક બનાસકાંઠાના યુવાઓ માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુમ્બેના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલીમાર્થીઓને સવારે અને સાંજે પોલીસ વિભાગના એ.ડી.આઈ. દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જ્યારે દિવસ દરમિયાન નિષ્ણાત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કોમ્પ્યુટર વિષયો પર લેક્ચર આપી તાલીમાર્થીઓને લેખિત પરીક્ષા તથા ફિઝિકલ ટેસ્ટ માટે સક્ષમ બનાવવામાં આવ્યા હતા.
આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતીએ યુવાઓને સંબોધતા જણાવ્યું કે, આ પ્રકારની તાલીમથી બનાસકાંઠાના યુવાનોનું પ્રતિનિધિત્વ યુનિફોર્મ સેવાઓમાં ચોક્કસ વધશે. સાથે જ તાલીમાર્થીઓ ઘરે જઈને સતત અભ્યાસ ચાલુ રાખે અને સખત મહેનત દ્વારા ઉજળી કારકિર્દી બનાવે તેવી આશા વ્યક્ત કરી.
જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે આર્મી ફક્ત નોકરી નહીં પરંતુ પેશન છે. આર્મીમેન સમાજમાં એક આગવી ઓળખ ઉભી કરે છે અને સમાજમાં માન-સન્માન પામે છે. તેમણે તાલીમાર્થીઓને સતત ફિઝિકલ પ્રેક્ટિસ અને અભ્યાસ ચાલુ રાખવા તથા ભવિષ્યમાં આર્મી/પેરા મિલિટરી ફોર્સ/પોલીસમાં સફળતા પ્રાપ્ત કરવા શુભેચ્છાઓ પાઠવી.
આ તાલીમ પૂર્ણ કરનારા ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા તૈયાર પુસ્તિકા તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. સાથે જ ઉમેદવારોને તેમની હાજરી પ્રમાણે દિવસ દીઠ રૂપિયા રૂ. ૧૦૦/- પ્રમાણે મહત્તમ રૂ. ૩,૦૦૦/- DBT મારફતે ચૂકવવામાં આવશે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

