પાલેજ પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા ચાર મહિનાથી ગુમ થયેલ અને માનસિક રીતે અસ્વસ્થ મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
પાલેજ પો.સ્ટે. વિસ્તારમાંથી મળી આવેલ મહિલાની પૂછપરછ અને તપાસના આધારે જાણવા મળ્યું કે તેણીનું નામ ગાયત્રીકુમારી રામહેત પરિહાર (ઉ.વ. ૧૯) છે અને તે જસવંતપુર, તા. સેવળા, જિ. દિતિયા (મધ્યપ્રદેશ) ની રહેવાસી છે. મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી, પોલીસ માટે તેના પરિવારની શોધ કરવી એક પડકારરૂપ કાર્ય હતું.
પાલેજ પોલીસે બાતમીના આધારે તપાસ કરતાં મધ્યપ્રદેશના દિતિયા જિલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં સદર મહિલાના ગુમ થવા અંગેની જાણવા જોગ ફરિયાદ દાખલ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ જાણકારી મળતા જ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

તાત્કાલિક પગલાં લેતાં, પાલેજ પોલીસ ટીમે મધ્યપ્રદેશમાં મહિલાના પરિવારજનોનો સંપર્ક કર્યો અને તેમને પાલેજ બોલાવ્યા. આખરે, છેલ્લા ચાર મહિનાથી ગુમ થયેલ ગાયત્રીકુમારીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.

