ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે “ફિટ મીડિયા – ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકાર મિત્રો માટે મેડિકલ કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત હોલ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં પોરબંદર જિલ્લાના વિવિધ મીડિયા સંસ્થાઓમાં કાર્યરત પત્રકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેડ ક્રોસ હેલ્થ ટીમ દ્વારા બ્લડ ટેસ્ટ, ઈસીજી, એક્સ–રે સહિતની વિવિધ હેલ્થ સ્ક્રીનિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
પત્રકાર પ્રતિશભાઈ શીલુએ જણાવ્યું હતું કે પત્રકારો સતત કાર્યરત રહેતા હોવાથી તેમની આરોગ્ય ચકાસણી માટે રેડ ક્રોસ અને માહિતી વિભાગ દ્વારા આ પ્રકારનું આયોજન કરવું સરાહનીય છે. પત્રકાર ઋષિભાઈ થાનકીએ પણ આ પહેલ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

રેડ ક્રોસ સોસાયટી, પોરબંદર શાખાની ઉપાધ્યક્ષ અને સમાજ સેવિકા શાંતિબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે પત્રકાર મિત્રો નાગરિકોને માહિતી અને સેવા આપતા રહે છે, તેથી તેમના આરોગ્યનું ધ્યાન રાખવું પણ તેટલું જ જરૂરી છે. તેમણે કેમ્પમાં સહભાગી બનેલા તમામ પત્રકારો તથા ટીમ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગત વર્ષે દરેક જિલ્લામાં પત્રકારો માટે હેલ્થ કેમ્પ યોજાયા હતા. તે પહેલને આગળ વધારતા આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં રેડ ક્રોસ અમદાવાદની ટીમ — જીતેન્દ્રભાઈ સુખડિયા (એક્સ–રે), હર્ષિલભાઈ શ્રીમાળી (બ્લડ કલેક્શન), સુરેશભાઈ ચાવડા (ઈસીજી) તેમજ કેમ્પ ઇન્ચાર્જ જીગરભાઈ ઠાકોર, રોનકભાઈ વલાડ અને નવનીતભાઈ ધોબીએ સેવા આપી હતી. જિલ્લા માહિતી કચેરી, પોરબંદર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ રામદેવભાઈ મોઢવાડીયા, સચિવ અકબરભાઈ સોરઠીયા, ઉપાધ્યક્ષ શાંતિબેન ઓડેદરા, ખજાનચી ચંદ્રેશભાઈ કિશોર, પીઆરઓ જગદીશભાઈ થાનકી તથા સભ્યો રામભાઈ ઓડેદરા, રાજુભાઈ ગોઢાણીયા, ચંદ્રિકાબેન તન્ના, અટારાભાઈ અને માહિતી વિભાગના અધિકારીઓએ સહયોગ આપ્યો હતો.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

