બગસરાના હડાળા રોડ પર ડેરીપીપરીયાના પાટિયા પાસે ગત મધ્યરાત્રિના કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ વૃક્ષ સાથે અથડાઇને પડીકું વળી ગઇ હતી. અકસ્માતમાં કારમાં રહેલા ૩ કૌટુંબિક ભાઈઓના કરૂણ મોત નીપજ્યા હતાં. જ્યારે તેમના એક મિત્રને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે બગસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડેરીપીપરીયાના પાટિયા પાસે ગત રાત્રિના આશરે બેથી અઢી વાગ્યાની આસપાસ કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇને પડીકું વળી ગઇ હતી.
કારમાં બેઠેલા 3 કૌટુંબિક ભાઈઓ સવજીભાઈ સાવલિયા (ઉ.વ. 38, રહે. જૂનાગઢ), મંથનભાઈ રમેશભાઈ સાવલિયા (ઉ.વ. 26, રહે. જાલણસર) તથા ધર્મેશભાઈ બાવનજીભાઈ સાવલિયા (ઉ.વ. 27, રહે. જાલણસર)ને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યા હતાં, જ્યારે તેમના મિત્ર વિકાસભાઈ પરમાર (રહે. બાંટવાદેવળી)ને ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ બગસરા અને ત્યાંથી અમરેલી ખસેડાયા હતાં.
અકસ્માત અંગે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ પોલીસ અને 108ને જાણ કરતા ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કૌટુંબિક ભાઈઓ ધાર્મિક કાર્ય માટે વડિયા ગયા હતાં અને ત્યાંથી પરત જૂનાગઢ જતા હતા ત્યારે મધ્યરાત્રિના અકસ્માત થયો હતો. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

