બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે.

સુઈગામના અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે. સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા, કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ સહિતની સામગ્રી તંત્ર દ્વારા વિતરણ કરાઈ છે. તંત્ર દ્વારા પાણીમાં જઈને ઘર ઘર સુધી ફૂડ પેકેટ અને પાણી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરીને વિતરણ કરવામાં આવી રહ્યો છે.

સુઈગામના વિવિધ પુરગ્રસ્ત ગામો માટે ફૂડ પેકેટ સિવાય આજે ઘઉં અને બાજરીનો લોટ સહિતની રાશન કીટ થરાદ ખાતેથી ટ્રક મારફત રવાના કરાઈ છે. ઘઉંના લોટના ૧૦૦૦ તથા બાજરીના લોટના ૧૦૦૦ મળીને કુલ પ્રતિ પાંચ કિલો પેકેટમાં કુલ ૨૦૦૦ લોટના પેકેટ અસરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાયા છે.

આ સિવાય વધુ ૨૪૦૦૦ પાણીની બોટલ પણ રવાના કરાઈ છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

