: બજાર ભાવ કરતાં ઓછી કિંમત સોનુ આપવાની લાલચ આપીને બનાસકાંઠાના ખેડૂત અને તેમના મામાના દિકરા સાથે ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ આપવાનું કહીને ભુજ બોલાવી ભુજના બે ચીટરોએ રૂપિયા ૮ લાખ ૫૦ હજારની લૂંટ ચલાવી હતી. જેમાં ભુજ બી ડિવિઝન પોલીસે એક આરોપીને પકડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂરા થતાં આરોપીએ જામીન પર મુક્ત થવા અરજી કરતાં ભુજની ચીફ કોર્ટે આરોપીની જામીન અરજી ના મંજુર કરી હતી.

બનાવકાંઠાના જિલ્લાના પાંથાવાડા ખાતે ખેડૂત મહેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણના ઉતરપ્રદેશ ખાતે રહેતા મામાના દિકરાભાઇ ડુંગરસિંહના મિત્ર રાહુલે ડુંગરસિંહને વાત કરી હતી. કે, તેમની પાસે ભુજના મહેશ પટેલની લીંક છે. જેમાં બજાર ભાવ કરતાં સસ્તામાં સોનું આપવાની વાત છે. જેથી ફરિયાદ અને તેના મામાના દિકરા અને તેના મિત્ર રાહુલે સાથે મળીને ભાગીદારીમાં સસ્તામાં સોનું લેવાનું વિચારીને ભુજના મહેશ પટેલ સાથે વાતચિત કરીને ભુજ સોનું લેવા ડુંગરસિંહ અને તેનો મિત્ર રાહુલ રૂપિયા ૮.૫૦ લાખ રોકડા લઇને આવ્યા હતા. દરમિયાન આરોપી મહેશ પટેલ ઉર્ફે અબ્દુલ નોતિયાર અને સંતોષ ઉર્ફે હનીફ સમેજાએ સોનુ લેવા આવેલા બે યુવકોને ભુજ આર.ટી.ઓ સર્કલ પાસે બોલાવી કારમાં બેસાડીને નકલી સોનાનું ૧૦૦ ગ્રામનું બિસ્કિટ આપી છરી બતાવીને ૮.૫૦ લાખની લૂંટ ચલાવીને કારમાં ફરાર થઇ ગયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં ગુરૂવારે પોલીસે હનીફ ઓસમાણ સમેજાને ઝડપી પાડીને તેના કબજામાંથી રૂપિયા ૩ લાખ ૫૦ હજાર રિકવર કર્યા હતા. અને અબ્દુલ નોતિયારને પકડવા તપાસ કરી હતી. હનીફના પોલીસે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે શનિવારે પૂરા થતાં કોર્ટમાં રજુ કર્યો હતો. જેમાં ભુજના અધિક ચીફ જ્યુ.મેજીસ્ટ્રેટ કે.એ.ડાભીએ આરોપી હનીફના જામીન ના મંજુર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર.આર.પ્રજાપતિએ હાજર રહીને દલીલો કરી હતી.

