વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની ઘણી તકો રહેલી છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે. પરંતુ બેરોજગારીની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. 2384 તલાટીની જગ્યા માટે 2.95 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં હજારો નહીં, પરંતુ લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો જેના પરથી ગુજરાતમાં બેરોજગારીનું બિહામણું ચિત્ર બહાર આવ્યું છે.

પરીક્ષાની પારદર્શિતા જાળવાઈ રહે તે માટે સીસીટીવીથી મોનીટરીંગ
સરકારી નોકરીએ શિક્ષિત યુવાઓ માટે સપનું બન્યુ છે, જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં હજારો-લાખો ઉમેદવારો ભાગ લેતાં થયાં છે. રેવન્યુ તલાટી વર્ગ-3ની 2384 ખાલી જગ્યા પડી છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા લેવાનું કરતાં 4.25 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી, જે પૈકી 3.99 લાખ ઉમેદવારોએ રવિવારે (14મી સપ્ટેમ્બર) પરીક્ષા આપી હતી.રાજ્યના 23 જિલ્લાઓમાં આવેલા 1384 પરીક્ષા કેન્દ્રો પર લેવાઈ હતી, જ્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન જ નહીં, ખિસ્સા તપાસી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી અપાઈ હતી. રવિવારે બપોરે 12 વાગે પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતાં. પરીક્ષાની પારદર્શિતા જાળવાઈ રહે તે માટે સીસીટીવીથી મોનીટરીંગ કરાયુ હતું. અમદાવાદ શહેરમાં તલાટીની પરીક્ષા આપવા માટે કુલ 36,524 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં તે પૈકી 11524 ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોગ રૂમથી પરીક્ષા કેન્દ્રો પેપર પહોંચાડાયાં હતાં. નવા કાયદા મુજબ, પેપર લીક કરનારાંને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારાશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી હતી. ખોટા ઉમેદવારો પરીક્ષા આપી ન શકે તે માટે આ વખતે બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમ અમલમાં મૂકાઇ હતી.

