GUJARAT : ભરુચ નજીકના ખાલી થઈ રહેલા ઓઈલ કૂવાઓમાં કાર્બન ડાયોક્સાઈડનો સંગ્રહ કરશે

0
29
meetarticle

કેન્દ્ર સરકારની કંપની ઓએનજીસી( ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)એ વાતાવરણમાં  થતા કાર્બન ઉત્સર્જનને રોકવાની નીતિના ભાગરુપે ગુજરાતમાં ભરુચ નજીક આવેલા ગંધાર ઓઈલ ફિલ્ડમાં ક્રુડ ઓઈલના ખાલી થઈ રહેલા કુવાઓમાં કાર્બન ડાયોકસાઈડ સ્ટોર કરવા માટેની યોજના બનાવી છે.જેના કારણે હવાના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

આખા ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં હાથ ધરાનારા પાયલોટ પ્રોજેકટના ભાગરુપે  આ ઓઈલ ફિલ્ડના ત્યજી દેવાયેલા બે કૂવાઓના પેટાળમા રહેલા હાઈડ્રોકાર્બનના ભંડારમાં  રોજનો ૧૦૦ ટન કાર્બન ડાયોક્સાઈડ દાખલ કરવામાં આવશે.આ કાર્બન ડાયોકસાઈડ નજીકમાં આવેલા દહેજના ઉદ્યોગો અને ઓએનજીસીના પોતાના હજીરા પ્લાન્ટમાંથી મેળવીને અન્ડરગ્રાઉન્ડ ટેકનિકથી કૂવાઓમાં ઉતારવામાં આવશે.કાર્બન ડાયોક્સાઈડ ધરતીના પેટાળમાં ઉતારીને તેના થકી ઓઈલ મેળવવામાં મદદ થઈ શકે છે કે કેમ તેની પણ આ પ્રોજેકટના ભાગરુપે ચકાસણી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ભારતે ૨૦૭૦ સુધીમાં કાર્બનનું ઉત્સર્જન ઝીરો કરવાનું લક્ષ્ય નિર્ધારિત  છે અને તેના ભાગરુપે કાર્બન ડાયોકસાઈડને વાતાવરણમાં ભળતા પહેલા જ પકડીને  તેનો ઉપયોગ કરવાની તથા તેનો સંગ્રહ કરવાની નીતિ ભવિષ્યમાં મહત્વનો ભાગ ભજવશે.જેને કાર્બન સીસીયુએસ( કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાર્બન સંગ્રહ માટે ગંધાર  ઓઈલ ફિલ્ડના કૂવાઓ આદર્શ

જાણકારોનું કહેવું છે કે, ગંધાર ઓઈલ ફિલ્ડના ખાલી થઈ રહેલા તેલના કૂવાઓ લાંબા સમયગાળા માટે કાર્બનનો સંગ્રહ કરવા માટે યોગ્ય છે.ઓએનજીસી આ પહેલા પણ ગંધાર ઓઈલ ફિલ્ડથી લગભગ ૮૦ કિલોમીટર દુરની વડોદરા સ્થિત ગુજરાત રિફાઈનરીમાંથી કાર્બન ડાયોકસાઈડ મેળવીને કૂવાઓમાં દાખલ કરવાનો પ્રયોગ કરી ચૂકી છે અને હવે કાર્બન ડાયોકસાઈડ મેળવવા માટે દહેજના ઉદ્યોગોનો ઉપયોગ કરશે.

કાર્બન ઉત્સર્જનમાં ભારત ત્રીજા ક્રમે 

વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો કાર્બન ઉત્સર્જનમાં અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમે છે.નીતિ આયોગના ૨૦૨૨ના એક અહેવાલ પ્રમાણે ભારતનું વાર્ષિક કાર્બન ઉત્સર્જન ૨.૬ ગીગાટન જેટલું છે.જેમાં ૨૦૫૦ સુધીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનું અને ૨૦૭૦ સુધીમાં ઝીરો ટકા કરવાનું લક્ષ્યાંક છે.

૧૨ અબજ ડોલરના રોકાણની યોજના 

ઓએનજીસીએ કાર્બન ઉત્સર્જનને રોકવા માટે ૧૨ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરેલી છે.ઓએનજીસીનું લક્ષ્યાંક ૨૦૩૮ સુધીમાં નેટ ઝીરો એમિશન કંપની બનવાનું છે.જેના માટે આ પાયલોટ પ્રોજેકટની સફળતા મહત્વની છે.

પ્રોજેકટ માટે કન્સલન્ટની મદદ લેવાશે

૨૦૨૨માં ઓએનજીસીએ મલ્ટી નેશનલ કંપની સાથે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન અને સ્ટોરેજ માટે એક એમઓયુ કર્યું હતું.હવે પાયલોટ પ્રોજેકટ માટે ટેકનિકલ માર્ગદર્શન મેળવવા, ફિઝિબિલિટી સ્ટડી માટે કન્સલ્ટન્ટની મદદ લેશે.જે ઉદ્યોગોમાં પેટ્રોલ, ડિઝલ જેવા ફોસિલ ફ્યુલનો ઉપયોગ થાય છે ત્યાં કાર્બન ઉત્સર્જનને રોકવા માટે આ ટેકનોલોજી જ શ્રેષ્ઠ વિકલ્પ પૂરવાર થાય તેમ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here