ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન વિસ્તારના ગડખોલ ગામે બે વર્ષ અગાઉ થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. LCBએ ચોરીના મોબાઈલ સાથે બે આરોપીઓને સાબરકાંઠા જિલ્લાના લાંબડીયા ગામ ખાતેથી ઝડપી પાડ્યા છે.

બાતમીના આધારે સાબરકાંઠા ગયેલી LCBની ટીમે આરોપી જગદીશ રણછોડભાઈ તરાલ અને અવિનાશ રમેશભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપી અવિનાશે જણાવ્યું કે તે મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે અને તેણે આ ચોરીનો ફોન ₹2,000/- માં જગદીશને વેચ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી ₹2,000/- ની કિંમતનો રીયલમી C11 મોડલનો મોબાઈલ કબજે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમને અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

