ભરૂચ જિલ્લાના નિર્દિષ્ટ વિસ્તારોમાં ગ્રામીણ વિકાસ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ની સર્વગ્રાહી વિકાસ સમિતિ દ્વારા રૂ. 32.45 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.

આ ભંડોળ અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, ભરૂચ, પાલેજ અને વાલિયા સહિતના 6 નિર્દિષ્ટ ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામોના સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ રોડ-રસ્તા, પીવાનું પાણી, વીજળી,આરોગ્ય, ગટર વ્યવસ્થા અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટે થશે.
જિલ્લા કલેક્ટરે તમામ વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરીને કામગીરીની ચકાસણી કરવા સૂચના આપી હતી. આ કાર્યો જનહિતમાં ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઝઘડિયા
વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ આ મંજૂર થયેલા વિકાસ કાર્યોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેનું અંતર ઘટશે અને સ્થાનિક નાગરિકોના જીવનધોરણમાં સુધારો થશે.
ઉલ્લેખનીય છે કે GIDC દ્વારા ઉઘરાવવામાં આવતા સંકલિત વેરાના 33 ટકા હિસ્સાનો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોની હદમાં આવેલા ગામોના વિકાસ માટે કરવામાં આવે છે. આ બેઠકમાં GIDCના અધિકારીઓ અને સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. મંજૂર થયેલા ખર્ચની વિગત નીચે મુજબ છે:
ભરૂચ – રૂ. 2.11 કરોડ, અંકલેશ્વર – રૂ. 9.90 કરોડ, પાનોલી – રૂ. 10.46 કરોડ, ઝઘડિયા – રૂ. 8.69 કરોડ, પાલેજ – રૂ. 0.89 કરોડ, વાલિયા – રૂ. 0.40 કરોડ
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

