ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં નાગરિકોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ₹1.60 કરોડના ખર્ચે તૈયાર થનારા પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભોલાવની સંજય કોલોનીથી નર્મદા કોલોનીને જોડતા આ મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર લોકોની મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે આ નવા રોડના નિર્માણથી ખાસ કરીને વરસાદની મોસમમાં રહેવાસીઓને કાદવ અને ખરાબ રસ્તાના કારણે થતી મુશ્કેલીઓ હવે દૂર થશે અને પરિવહનમાં નોંધપાત્ર સુવિધા વધશે. તેમણે બાકી રહેલા તમામ વિકાસ કાર્યોને પણ ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રને સૂચના આપી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

