ભરૂચ સ્થિત રાષ્ટ્રીય સ્મારક એવી જામા મસ્જિદ, જે મૂળ સમણી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થાન હોવાનું માનવામાં આવે છે, તેના રક્ષણ માટે આગામી સોમવારે એક વિશાળ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, ભરૂચ જિલ્લા દ્વારા આ ઐતિહાસિક ધરોહરની રક્ષા કાજે ‘રાષ્ટ્રીય ધરોહર કી રક્ષા કે લિયે ઉપવાસ’ ના નામે એક દિવસીય ધરણા અને ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થાન હાલમાં ભારત સરકાર (ASI) ના હસ્તક છે, પરંતુ ત્યાં નિયમો વિરુદ્ધની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના અને તેની અસલી ઓળખ સાથે ચેડાં કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે આ લડત શરૂ કરવામાં આવી છે.

આ કાર્યક્રમ તા. ૦૫/૦૧/૨૦૨૬, સોમવારના રોજ ભરૂચના શક્તિનાથ મંદિર મેદાન ખાતે યોજાશે. સંત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પાછું લાવવા અને પુરાતત્વ વિભાગના નિયમો મુજબ તેનું સંચાલન થાય તે હેતુથી તમામ સનાતન હિન્દુઓના સહયોગ અને સમર્થન માટે આ આયોજન કરાયું છે. આ પ્રસંગે જિલ્લાના વિવિધ સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક વારસાને બચાવવા માટે અવાજ બુલંદ કરશે.

