અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા ભરૂચમાં એક વિશેષ નાટ્ય પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના આ ઉપક્રમે આજરોજ બપોરે ૧૨:૦૦ કલાકે ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ (જે.પી. કોલેજ) ખાતે સરદાર પટેલની પ્રેરણાદાયી જીવનગાથા રજૂ કરવામાં આવશે. આ નાટ્ય પ્રસ્તુતિનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલે રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાન અને દેશની એકતા તેમજ અખંડતાના સંદેશાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. યુવા વિદ્યાર્થીઓ અને નાગરિકો સરદારના આદર્શોમાંથી પ્રેરણા મેળવે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભરૂચના કલાપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

