ભરૂચ શહેરના વોર્ડ નંબર ૯ માં લાંબા સમયથી પ્રવર્તતી નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીના માર્ગ પર પેવર બ્લોક નાખવાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં અંદાજે ₹૭૫.૮૬ લાખનો ખર્ચ થશે. પેવર બ્લોકથી વાહનવ્યવહાર સરળ બનશે અને વરસાદી મોસમમાં કાદવ-પાણી ભરાવાની સમસ્યામાં મોટી રાહત મળશે.
ધારાસભ્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભરૂચ શહેરના વિકાસ માટે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિતના મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
