ભરૂચમાં સ્માર્ટ મીટરના બિલ અંગે ગ્રાહકોમાં ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારને તેમના સ્માર્ટ મીટરનું બિલ ૮૩,૦૦૦ રૂપિયા આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. અગાઉ, જૂના મીટરમાં તેમનું સરેરાશ બિલ ૭ થી ૮ હજાર રૂપિયા આવતું હતું, પરંતુ અચાનક આટલું મોટું બિલ આવતા તેઓ ચિંતિત બન્યા હતા.

વીજ ગ્રાહકે આ અંગે વીજ વિભાગને જાણ કરતા, વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે બિલમાં ખામી હોવાનું સ્વીકાર્યું અને સ્થળ તપાસ કરી હતી. તપાસ બાદ, વીજ વિભાગે જણાવ્યું કે આ સમસ્યા સિસ્ટમની ક્ષતિને કારણે સર્જાઈ હતી.
ભૂલ સુધારીને, વીજ વિભાગે ગ્રાહકને મે થી જુલાઈ (ત્રણ મહિના) સુધીના બાકી બિલ સાથે કુલ ૨૩,૧૮૫ રૂપિયાનું નવું બિલ આપ્યું છે. વીજ વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેઓ દરેક બિલની સિસ્ટમમાં ચકાસણી કરીને જ હાર્ડકોપી મોકલે છે, જેથી આવી ભૂલોને સુધારી શકાય. આ ઘટનાએ ફરી એકવાર સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.

