દિવાળી પર્વ બાદ ભાવનગર મહાપાલિકાની ટીમે બુધવારે ફરી ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૬૦ થી વધુ નાના ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા હતાં.

મહાપાલિકાની દબાણ હટાવ સેલની ટીમે આજે બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા, જેમાં ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ હનુમાનજીના ઓટલા ફરતે આરસીસી રોડના કામમાં નડતરરૂપ કાચા પાક્કા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, આ વિસ્તારમાં ૦૩ દુકાન, ૦૩ ઓરડી, ૦૮ બાથરૂમ, ૦૬ પાણીની ચોકડી, ૦૫ શેડ, ૦૩ બાઉન્ડ્રી વોલ, ૦૪ ફેન્સિંગ વગેરે દબાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બુદ્ધદેવ સર્કલથી નવાબંદર રોડ, બ્લોક નાખવાના કામમાં નડતરરૂપ ગેરકાયદે કાચા પાક્કા દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં ૦૧ દુકાન, ૦૯ પાણીની ચોકડી, ૦૩ શેડ, ૦૪ ફેન્સિંગ વગેરે દબાણનો સમાવેશ થાય છે.
શહેરના હિમાલયા મોલ રોડ, યુનિવસટીના ગેટ પાસેથી અસ્થાયી દબાણ દૂર કરી ૦૧ ગેસની બોટલ જપ્ત કરવામાં આવી હતી અને નિલમબાગ સર્કલથી જ્વેલર્સ સર્કલ સુધી અસ્થાયી દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૦૪ ટેબલ, ૦૪ લારી, ૦૨ બોર્ડ વગેરે સામાન જપ્ત કરાયો હતો.

