રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ નજીક એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી પોલીસે અંદાજે 1.07 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચોરખાનામાં છુપાવેલી દારૂની બોટલો મળી
મળતી માહિતી અનુસાર, LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચુલી ગામ પાસે આવેલી હોટલ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલી ટ્રકની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તસ્કરોએ પોલીસથી બચવા માટે ટ્રકમાં ચોરખાનું બનાવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની કુલ 25,440 બોટલો કબજે કરી. જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે 87.56 લાખ રૂપિયા થાય છે. ટ્રક અને અન્ય સામાન મળી કુલ 1.07 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો
જ્યારે પણ જિલ્લાની એલસીબી (LCB) ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં આટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડે છે, ત્યારે સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા સામે સવાલો ઊઠતા હોય છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસની હદમાં હાઈવે પર આટલી મોટી હેરાફેરી થઈ રહી હતી અને સ્થાનિક પોલીસ અજાણ હતી, તે બાબત અત્યારે ચર્ચાનો વિષય બની છે.
સુરેન્દ્રનગર LCBએ આ મામલે ટ્રક ચાલક અને માલિક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

