લુણાવાડા: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે શિયાળાની ઋતુની શરૂઆત થતા જ બજારોમાં ગરમ કપડાંની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. વહેલી સવાર અને મોડી સાંજે ઠંડીનો ચમકારો અનુભવાતા લોકો ગરમાવો મેળવવા માટે સ્વેટર, શાલ, ટોપી અને અન્ય ગરમ વસ્ત્રોની ખરીદી તરફ વળ્યા છે.
બજારમાં ઠેર ઠેર ગરમ કપડાંની દુકાનો અને સ્ટોલ પર સ્વેટરો, શાલ, મફલર, ગરમ ટોપીઓ અને જેકેટ્સના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. ઠંડીની શરૂઆત થતા જ ગરમ કપડાંના વેપારીઓએ પણ સિઝનલ માલસામાનનો જથ્થો ઉતારી દીધો છે.

ગ્રાહકો પણ પોતાના અને પોતાના પરિવારજનો માટે વિવિધ રંગો અને ડિઝાઇનોના ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનો અને બાળકો માટેના નવા ફેશનેબલ ગરમ કપડાંની માંગ વધુ જોવા મળી રહી છે. લોકોએ ઠંડીથી બચવા માટે જરૂરી તમામ સાધનોની ખરીદી કરી લેતા, લુણાવાડાના મુખ્ય બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે અને વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ સાથે, ગરમ નાસ્તા અને ચા-કોફીની લારીઓ પર પણ ભીડ વધવા લાગી છે, જે દર્શાવે છે કે લુણાવાડામાં હવે ઠંડીએ બરાબર જમાવટ કરી લીધી છે.
REPORTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહિસાગર

