GUJARAT : મહેસાણામાં મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ગેસ એજન્સીઓ પર લાંબી કતારો, પેનિક બુકિંગથી વહીવટ ખોરવાયો

0
12
meetarticle

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર મહેસાણામાં જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરનો સ્ટોક ખાલી થઈ જવાના ભયથી લોકોમાં અફરાતફરી મચી ગઈ છે અને ગેસ એજન્સીઓ પર વહેલી સવારથી લાંબી લાઈનો લાગી રહી છે. પ્રશાસન અને એજન્સીઓ દ્વારા પૂરતો જથ્થો હોવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં પણ ‘પેનિક બુકિંગ’ના કારણે માંગમાં અસાધારણ વધારો થયો છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

પેનિક બુકિંગથી માંગ બમણી, વહીવટ સામે પડકાર

મહેસાણા શહેરમાં આવેલી પશાભાઈ બી. પટેલ ગેસ એજન્સી સહિતની અન્ય એજન્સીઓ પર છેલ્લા બે-ચાર દિવસથી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. આ અંગે એજન્સીના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગેસ અને પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આમ છતાં, યુદ્ધના કારણે સપ્લાય ખોરવાશે એવા ખોટા ડરથી લોકો વધુ પડતું પેનિક થઈ રહ્યા છે. ગત વર્ષે આ સમયગાળામાં રોજની અંદાજે 600 બોટલનું વિતરણ થતું હતું, જ્યારે હાલમાં માંગ બમણી થઈને 1300 સિલિન્ડર સુધી પહોંચી ગઈ છે. છતાં પણ એજન્સી પાસે ઘરેલું ઇંધણ માટે કોઈ તકલીફ નથી.

ગામડામાંથી આવેલા લોકો વહેલી સવારથી કતારોમાં

આ પેનિક સિચ્યુએશનના કારણે ગામડા વિસ્તારમાંથી આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો વહેલી સવારથી સિલિન્ડર મેળવવા માટે લાઈનોમાં ઉભા રહે છે. કેટલાક લોકો તો ચાર દિવસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. જ્યારે મોટી ભીડ જમા થાય અને દિવસના અંતે સ્ટોક પૂરો થઈ જાય, ત્યારે તેમને પાછા જવું પડે છે અને ફરી બીજા દિવસે વહેલી સવારે લાઈનમાં લાગવુ પડે છે. જેના કારણે તેમનો આખો દિવસ આ કામમાં બગડે છે અને કામધંધો પણ ખોરવાય છે.

પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં: મામલતદાર અને પોલીસ તૈનાત

મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતા અને વ્યવસ્થા ખોરવાવાના ભયથી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. દરેક ગેસ એજન્સી પર દેખરેખ રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક-એક મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનરની સૂચના મુજબ પોલીસ જવાનો પણ સ્થળ ઉપર ખડેપગે તૈનાત છે. પોલીસ ભીડને નિયંત્રિત કરવા અને લોકોને શાંતિથી લાઈનમાં ઉભા રહેવા માટે સૂચના આપી રહી છે. એજન્સી સંચાલકોએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ ઉપયોગ માટે ગેસની તકલીફ હોઈ શકે છે પરંતુ ઘરેલું વપરાશ માટે સ્ટોકની કોઈ અછત નથી. આમ, પ્રશાસન લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂર પૂરતો જ ગેસનો સ્ટોક રાખવા અપીલ કરી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here