રાજકોટની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે વધુ એક વખત કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા પોલીસે કોર્ટની કાર્યવાહીમાં અડચણ ન આવે તે રીતે બે કલાક સુધી ચેકીંગ કર્યું હતું. ધારણા મુજબ જ ધમકી પોકળ પુરવાર થઇ હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ધમકીભર્યા ઇમેઇલ કોણ મોકલી રહ્યું છે તે વિશે પોલીસ તંત્રને કોઇ માહીતી જ મળી રહી નથી.

સાયબર ક્રાઇમના ગુનાઓની તપાસ માટે રાજકોટમાં ખાસ સાયબર લેબ બનાવવામાં આવી છે. આમ છતા અવાર-નવાર રાજકોટ કોર્ટ અને કલેક્ટર ઓફીસને બોમ્બથી ઉડાડવાની ધમકીભર્યા ઇમેઇલ કોણ મોકલી રહ્યું છે તે વિશે કોઇ માહિતી બહાર આવતી નથી. આજના કિસ્સામાં પણ તેમ જ થયું છે. સાયબર ક્રાઇમ પોલીસના સુત્રોએ જણાવ્યું કે, આજનો ઇમેઇલ પણ વીપીએનનો ઉપયોગ કરી મોકલવામાં આવ્યો છે. જેને કારણે ઇમેઇલ ક્યાંથી મોકલાયો છે તે વિશે કોઇ માહિતી મળી નથી.
આજે સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ રાજકોટની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. જે અંગે પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરાતા એસઓજીની ટીમ, બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ, ક્યુઆરટી અને ડોગ સ્ક્વોડ સાથે સ્થળ પર પહોંચી હતી. ગાંધીગ્રામ-૨ પોલીસનો કાફલો અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
વારંવાર આ પ્રકારની ધમકી મળતી હોવાથી આજે પણ પોલીસે કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવ્યું ન હતું. કોર્ટની કાર્યવાહીમાં કોઇ પણ જાતની અડચણ ન આવે તે રીતે કોર્ટનો ખુણેખુણો તપાસ્યો હતો. અંદાજે બે કલાક સુધી ચાલેલી આ કવાયતના અંતે કોઇપણ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતા ધમકી પોકળ પુરવાર થઇ હતી.

