રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના પીપરડી(વિંછીયા) બેઠકના ભાજપના મહિલા સદસ્યની વિંછીયાના અમરાપર ગામની સીમમાં આવેલી વાડીમાં એલસીબી ટીમે દરોડો પાડીને નકલી અંગ્રેજી દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. અહીંથી પોલીસે બે કિશોર સહિત કુલ ચાર ઈસમોને ઝડપી લીધા હતા, જ્યારે સૂત્રધાર મનાતો ભાજપ આગેવાનનો પુત્ર નાસી છૂટતા શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટ રૂરલ એલસીબી ટીમને આજે સવારે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. જેના આધારે તપાસ કરતા અમરાપુરના સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડી સુધી પગેરૂ નીકળ્યું હતું. જ્યાં દરોડો પાડતા ખરેખર વિદેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. પરિણામે પોલીસે ત્યાંથી જીતેશ વીરાભાઈ સોલંકી (રહે. સમઢીયાળા, તા. વિંછીયા), પ્રદીપ કાળુભાઈ સાગઠિયા (રહે. વિંછીયા) ઉપરાંત બે કિશોરની ધરપકડ કરી હતી. જ્યારે રણજીત નાથાભાઈ વાસાણી (રહે. વિંછીયા)નું નામ ખૂલતા તેની શોધખોળ શરૂ કરી હતી. સ્થળ પરથી અંગ્રેજી દારૂની નાની-મોટી મળી 218 બોટલ, દારૂ બનાવવાનું 30 લીટર લિકવીડ મળી કુલ રૂ. 1.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.એલસીબી ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ઈંગ્લિશ દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી પકડાય એ વાડી રાજકોટ જિલ્લા પંચાયતની પીપરડી બેઠકના સદસ્યા સવિતાબેન નાથાભાઈ વાસાણીની છે અને પોલીસના દરોડા સમયે હાથ નહીં લાગેતો રણજીત વાસાણી તેમનો પુત્ર છે. આરોપીઓ રાજસ્થાનનાં કિશન મારવાડી પાસેથી ટ્રાન્સપોર્ટમાં દારૂનું લિકવીડ મંગાવતા હતા. તેની સાથે ખાલી બોટલ, તેના લેબલ અને ઢાંકણા પણ આવતા હતાં. જેટલું લિકવીડ હોય તેટલું જ પાણી મિક્સ કરી આરોપીઓ બોટલમાં ભરી તેને વેચતા હતા. ચારેક દિવસથી આ કારસ્તાન શરૂ કર્યાનું રટણ કરી રહ્યા છે.

