GUJARAT : રાજકોટમાં ‘હું નથુરામ’ નાટકના વિરોધમાં જે હિંસક દેખાવો થયા

0
27
meetarticle

‘હું નથુરામ’: રાજકોટની હિંસાનો વિરોધ કરું છું

રાજકોટમાં ‘હું નથુરામ’ નાટકના વિરોધમાં જે હિંસક દેખાવો થયા તે સામે મારો વિરોધ નોંધાવું છું.

આ હિંસા કે તોડફોડ ગાંધીનો માર્ગ નથી, નથી ને નથી જ.

જેઓ નથુરામ ગોડસેનો પક્ષ રજૂ કરે છે તેમને એમની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જ જોઈએ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એને જ કહેવાય.

મને ખ્યાલ છે ત્યાં સુધી આ નાટક નથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની હત્યા બાદ ચાલેલા કેસ દરમ્યાન જે નિવેદન આપવામાં આવેલું તેના પર આધારિત છે.

અમદાવાદમાં આવતી કાલે આ નાટક ભજવાવાનું છે. મેં એની ટિકિટ ખરીદી છે અને હું એ જોવા પણ જવાનો છું. આશા છે કે કાલે અમદાવાદમાં એની સામે કોઈ ધમાલ નહીં થાય. એ નાટક જોવાનો મારો ઇરાદો એ છે કે એમાં શું કહેવામાં આવ્યું છે તે જોઉં, સમજું અને પછી જો કરવા લાગે તો તેનો વિરોધ કરું કે તેની તરફેણ કરું.

સવાલ એ છે કે –
(૧) જેમણે તોડફોડ કરી એ કોંગ્રેસીઓએ ગાંધીને વાંચ્યા છે ખરા?
(૨) કેટલા કોંગ્રેસીઓ ગાંધીની વિચારધારા કેટલી સમજ્યા છે?
(૩) કોંગ્રેસે છેલ્લાં ૨૫ વર્ષમાં ગુજરાતમાં ગાંધીવિચારના પ્રચાર માટે શું કર્યું?

હા, એ વાત સાચી કે ગોડસે અને સાવરકરની નફરતી વિચારધારાના પ્રચારનો મારો જોરદાર છે અને ગાંધી વિશે જૂઠાણાંના પ્રચારનો મારો પણ ભયાનક છે. પરંતુ સત્ય અને તથ્યનો પ્રચાર કરવા કે તે સમજવા અને સમજાવવામાં કોંગ્રેસીઓ કેમ ઊણા ઊતરે છે તે કોંગ્રેસ માટે મનોમંથનનો વિષય છે જ.

શાંત બેસી રહીને તીરે ઊભા ઊભા નીચતા અને નફ્ફટતાનો તમાશો જોનારા લોકોને આવી હિંસા કરવાનો અધિકાર છે એમ કેવી રીતે કહી શકાય?

જે વાત કોંગ્રેસીઓને લાગુ પડે છે તે કોંગ્રેસને મત આપનારા કે પછી ભાજપની વિરુદ્ધ મતદાન કરનારા લાખો મતદાતાઓને પણ લાગુ પડે છે. કારણ કે ગાંધીવિચાર વિશે તેઓ બધા મોટે ભાગે મૌન રહ્યા છે અથવા તો પોતાના નક્કી કરેલા કુંડાળામાંથી કદી બહાર નીકળ્યા નથી.

ક્ષમા ચાહું છું, 🙏 પણ હું રાજકોટમાં થયેલી આ હિંસાનો સખત વિરોધ કરું છું, ભલે હું ગાંધીવિચારને, બંધારણીય મૂલ્યોને સમજવાનો અને સમજાવવાનો, ભરચક પ્રયાસ કરતો હોઉં.

ગાંધીએ કહેલું કે, “કોઈને nonsense વાત કહેવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here