રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, માહિતી નિયામકની કચેરી ગાંધીનગર તથા નર્મદા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે, નાંદોદના ધારાસભ્ય તથા રેડ ક્રોસ સોસાયટી રાજપીપલાના ચેરમેન ડો. દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન અને નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલની ઉપસ્થિતિમાં, ‘ફીટ ઇન્ડિયા, ફીટ મીડિયા’ થીમ હેઠળ નર્મદા જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો માટે તા.૨ ડિસેમ્બર ના રોજ રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, જુની સિવિલ હોસ્પિટલ ખાતે મફત મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલે જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓ, પ્રજાલક્ષી ઝુંબેશો અને લોકકલ્યાણકારી કાર્યક્રમોને પ્રજા સુધી પહોંચાડવા માટે પત્રકાર મિત્રોનો સહકાર પ્રશંસનીય છે. આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં પત્રકારો પોતાના આરોગ્યની કાળજી રાખવામાં અસમર્થ રહે છે, ત્યારે આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસ અને માહિતી કચેરીએ આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકશાહીના ચોથા અને મજબૂત સ્તંભ તરીકે જે સમાચાર આપે છે, તેમની સારસંભાળ પણ જરૂરી છે, એવા શુભ આશય સાથે સરકાર પણ સમયાંતરે આવા આરોગ્યલક્ષી ઝુંબેશો-અભિયાનો ચલાવીને મીડિયાકર્મીઓની દરકાર રાખે છે.
આ તકે, જિલ્લાના મીડિયાકર્મીઓ દ્વારા પણ સરકારની પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પની સરાહના કરી હતી.
આ કેમ્પમાં ૪૦ થી વધુ પત્રકાર મિત્રો અને માહિતીના કર્મીઓનું બ્લડ પ્રેશર, શુગર, હિમોગ્લોબિન, BMI તથા ડોક્ટર્સ દ્વારા સામાન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ૩૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતા પત્રકારો તથા માહિતીના કર્મીઓની ઇસીજી તથા એક્સ રે પણ કરાવી હતી.
આવી જનહિતની પ્રવૃત્તિઓથી સમાજના વિવિધ વર્ગો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો રેડ ક્રોસનો સતત પ્રયાસ રહ્યો છે, અને આ વખતે પત્રકાર સમુદાયને આવરી લેવાનો આ પ્રયાસ નિશ્ચિત જ પ્રશંસનીય છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

