રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે ડ્રગ્સ નાબુદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે 8000 કિલોગ્રામ અને ₹381 કરોડથી વધુની કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો છે.

એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પ્રારંભ
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં એન્ટી- નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના વિધિવત પ્રારંભનીજાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ વિશિષ્ટ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ- કર્મચારીઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને વધુ સઘન બનાવવા પણ પગલાં ભરાશે.
2640 નાર્કોટિક્સના આરોપીઓ પર નજર
આ ઉપરાંત હાલ જામીન પર છૂટેલા આશરે 2640 નાર્કોટિક્સના આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે. સાથે જ જનભાગીદારીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની ‘માનસ’ હેલ્પલાઇન 1933ને વધુ અસરકારક બનાવવામાં આવશે. નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્ય મંત્રીનાકાર્યાલય સુધી પહોંચશે.
92 પોલીસ જવાનોનું સન્માન કરાયું
આ સાથે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલિસી’ અંતર્ગત 7 મોટા કેસોમાં સફળ કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને કુલ 29.67 લાખની ઇનામની રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે. આ મહત્ત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે તેમજ ‘નશા-મુક્ત ગુજરાત’ના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને વધુ એકવાર દોહરાવશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

