રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં ગુજરાતના ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલી હાલાકી અને ખેડૂતોની થઈ રહેલી આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આજે ઝીરો અવર્સની નોટીસ આપીને સંસદ (રાજ્યસભા)માં શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી હતી કે, ગુજરાતના ખેડૂતો માટે અત્યંત કફોડી સ્થિતિ પેદા થઈ છે. દિવાળી આસપાસ ચોમાસુ પાક સંપૂર્ણ તૈયાર થતો હોય છે અને દિવાળીનો બીજો દિવસ એટલે કે ગુજરાતીઓના બેસતા વર્ષ પછી આ ચોમાસુ પાકની કાપણીની ખેડૂતો શરૂઆત કરતા હોય છે. આ વર્ષે દિવાળી આસપાસ દિવસો સુધી સતત વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડ્યા કર્યો, પરિણામે ખેડૂતોનો તૈયાર થયેલો પાક કે જેના પર પાણીનું એક ટીપું પણ પડે તે ઝેર સમાન ગણાય તે રીતે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. પાક સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી કરવામાં આવતા તમામ ખર્ચાઓ ખેડૂતો કરી ચુક્યા બાદ કુદરતી આફતના કારણે ખેડૂતો બરબાદ થયા છે. કમનસીબી એ છે કે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે વીમા ફસલ યોજનાની જોગવાઈ છે, પરંતુ ગુજરાત અને કેન્દ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતોને પાક વીમા યોજનાથી બાકાત કરવામાં આવેલા છે. જો પાક વીમા યોજના હોત તો આજે ખેડૂતને આત્મહત્યા ના કરવી પડી હોત અને જેટલું નુકશાન થયું છે તેટલું વળતર વીમાથી મળી ગયું હોત. ગુજરાતના ખેડૂતોને જે રાહતો આપવામાં આવી છે તે નજીવી અને મશ્કરી સમાન છે. મર્યાદિત વિસ્તારને જ આવરી લેવામાં આવ્યો છે અને રકમ પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. એટલે કે ખેડૂતોના કુલ નુકશાન સામે મળવાપાત્ર રકમ એ મશ્કરી સમાન છે.

સંસદમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીના સમયમાં પ્રથમ વખત પાક વીમા યોજના દાખલ કરવામાં આવી હતી અને વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ ખુબ મોટી સબસીડી જાહેર કરીને માત્ર નજીવી રકમમાં ખેડૂતો પાક વીમો લઈ શકે તેવી યોજના દાખલ કરી હતી. સ્વ. રાજીવ ગાંધીના સમયમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હોવાના કારણે ખુબ મોટી રકમની સહાય ગુજરાતના ખેડૂતોને મળી હતી. આજે કેન્દ્ર અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ત્યારે ખેડૂતોને જે નુકશાન થયું છે તેની ઉદાર હાથે પુરતી રકમ આપવા માટે માંગણી કરવામાં આવી હતી.
