રાતીયા ગામની ગાયત્રી સામુહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર મુદ્દે થયેલા વિવાદમાં મંડળીના પ્રમુખ દેવશીભાઈ કારાભાઈ કેશવાલા પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે સારવાર દરમિયાન દેવશીભાઈનું મોત થતા ઘટનાને હવે હત્યામાં ફેરવવામાં આવી છે.

ફરિયાદ મુજબ ૧૮ નવેમ્બરના રોજ દેવશીભાઈએ મંડળીના સભ્ય ન ગણાતા પરબત નાથાભાઈ ઓડેદરા તથા કારા પરબતભાઈ મોરીને વાવેતર રોકતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. પરબત ઓડેદરાએ દેવશીભાઈના માથા પર લોખંડના પાઈપ વડે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જ્યારે કારા મોરીએ ડાબા હાથ અને પીઠના ભાગે હુમલો કર્યો હતો.
ઘાયલ દેવશીભાઈને માધવપુર દવાખાનેથી પોરબંદર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથામાં હેમરેજ તથા ડાબા હાથમાં મોટાપાયે ફ્રેક્ચર હોવાનું ડોક્ટરોએ જણાવ્યુ હતું. સારવાર દરમ્યાન દેવશીભાઈનું મૃત્યુ થતા માધવપુર પોલીસે ગુનો હત્યાની કલમ હેઠળ ફેરવ્યો છે.
બંને આરોપીઓને પોલીસે અટક કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટર : વિરમભાઈ કે.. આગઠ
