પૂ. મોરારિબાપુના વ્યાસાસને 966 મી રામકથા નવા કીર્તિમાનો સાથે વિરામ તરફ ગતિ કરી રહી છે. કારણ કે આ કથા ટ્રેન અને હવાઈ યાત્રાથી સંપન્ન થવા જઈ રહી છે. હવે કોલંબો પછી આખરી મુકામ પર આવતીકાલે તા 4 નવેમ્બરે અયોધ્યા ખાતે ‘માનસ રામયાત્રા’નું ગાન થશે અને તે સાથે જ યાત્રા વિરામ પામશે.
પૂ મોરારિબાપુએ સાતમા મુકામે રામેશ્વર ભગવાનના શ્રી ચરણોમાં વાણી પુષ્પોને સમર્પિત કરતા કહ્યું કે ગૃહસ્થોએ ઉપાધીને આભૂષણ બનાવવું જોઈએ.મંત્ર વિચાર છે અને તે આશ્રિતને પાસે રાખીને આપે તે ગુરુ. ગુરુ મંત્ર અને મૃત્યુ એટલે કે ધર્મ અને મોક્ષ સમયે હાજર હોય છે. સનાતન ધર્મનો અસંગ અને વિશાળ આંખનો સ્વભાવ છે. રામ જન્મના પાંચ કારણો છે જય વિજય, જલંધરની નિંદા,નારદનો શ્રાપ મનુષ્યત્વ અને પ્રતાપભાનુનો સ્વાર્થ.પુરુષાર્થ પ્રાર્થના અને પ્રતિક્ષા ત્રણેય મળી જાય તો રામ પ્રાગટ્ય થઈ જાય.
સાતમા મુકામ પર યાત્રા તા. 31 ના રોજ ના રોજ રામેશ્વર પહોંચીને તા.1 ના રોજ કથાનું ગાન થયું હતું.જેમાં કથાનો ક્રમ ભગવાન રામનું રામેશ્વરમાં આગમન અને રામ સેતુથી રામનું લંકા તરફ ગમન રહ્યો હતો.

આઠમા મુકામની વંદનાનું અનુષ્ઠાન શ્રીલંકાના નિગંબુ નામના નગરમાં તા. 3જી નવેમ્બરના રોજ થયું. હોટલ ગોલ્ડી સેન્ડના પ્રાંગણમાં સમુદ્રના તટે મંડપમાંથી જ્યારે ચોપાઈઓનો આરંભ થયો ત્યારે દ્રશ્ય હતું કે હમણાં ભગવાન રામ સમુદ્ર પાર કરીને પધારી રહ્યાં છે સૌ શ્રદ્ધાળુઓ જાણે તેની પ્રતિક્ષામાં છે.
પૂ. બાપુએ લંકાકાંડના સંદર્ભોને ટાંકીને કહ્યું કે આજે યાત્રા લંકામાં આવી છે ત્યારે કહેવું જોઈએ કે અયોધ્યા ત્યાગની ભૂમિ છે, ચિત્રકૂટ ત્યાગ અને ઐશ્વર્યની અને લંકાએ ભોગ ની ભૂમિ છે. રાવણ પાસે અખૂટ હતું. અરે, કિલ્લો પણ સોનાનો હતો તો પણ તેની અતૃપ્તિ તેના નિર્વાણ ગતિનું કારણ બની. મનોકામનાઓ જ્યારે અતૃપ્ત થાય ત્યારે તેમાંથી શરીર, ઉંમર, બુદ્ધિ, વિવેક બધું દક્ષિણ થાય છે. બાપુએ વક્તાના પ્રકાર અને તેના લક્ષણો વર્ણવીને કહ્યું કે કથાનું કથન હૃદયથી થાય તો તેની અસર ઊભી કરે છે.
સાતમા મુકામની કથા લંકાકાંડના ગાન સાથે અને રાવણની નિર્વાણ ગતિ કરીને રામરાજ્યની સ્થાપના માટે અયોધ્યા તરફ આગળ વધી હતી.આજે તા.4થી ના રોજ અવધ ધામમાં રામયાત્રા વિરામ પામશે. પવિત્ર પ્રવાહી અને અતિ સુગ્રથિત યાત્રાના વર્ણન માટે શબ્દોનો પનો ટૂંકો પડે તે રીતે તેની સફળતા ચરમસીમાએ દેખાય છે.
આ સમગ્ર આયોજનમાં અને વ્યવસ્થામાં જોડાયેલા ઈંદોરના શ્રી રૂપેશભાઈ વ્યાસની વ્યવસ્થા શક્તિ કાબીલેદાદ હતી. સનાતન સેવા સંસ્થાન અને મિરાજ ગ્રુપના મનોરથી એવા પરમ રામભક્ત શ્રી મદનલાલ પાલીવાલજીએ આ સમગ્ર આયોજનમાં પોતાના સામર્થ્યને કોઈપણ પ્રકારના હીચકીચાટ વગર જે રીતે વાપર્યું છે તે અશબ્દ અને અવિસ્મરણિય બન્યું છે.

