ઓગષ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારે રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના કૃષિ મંત્રીએ ભાવનગર ખાતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

પાંચ જિલ્લાના 18 તાલુકાને આવરી લેવાયા
ભારે વરસાદને કારણે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ 5 જિલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું હતું.રાજ્ય સરકારે આ પાંચ જિલ્લાના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ પેકેજમાં SDRFની જોગવાઈ મુજબ રૂ. 563 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય બજેટમાંથી વધારાની રૂ. 384 કરોડની સહાય ઉમેરીને કુલ રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
નુકસાન મુજબ સહાયની વિગતો
સરકારે પાક નુકસાનીના ટકાવારી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી છે. સરકારના આ નિર્ણયથી ભારે વરસાદને કારણે આર્થિક સંકળામણમાં મુકાયેલા લાખો ખેડૂતોને મોટી રાહત મળશે. વળતરની રકમ ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા થાય તે માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
બિનપિયત ખેતી પાક: 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹ 12,000 ની સહાય મળશે.
પિયત પાકો: 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹ 22,000 ની સહાય ચૂકવવામાં આવશે.
બાગાયતી પાકો: 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹ 27,500 ની સહાય જાહેર કરાઈ છે.
જમીની સુધારણા માટે વિશેષ સહાય
ખાસ કરીને વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય આપવામાં આવશે, જે પ્રતિ હેક્ટર ₹ 20,000 રહેશે.
ભાવનગર જિલ્લાના ખેડૂતોને લાભ નહીં મળતા નારાજગી
જોકે, આ કૃષિ રાહત પેકેજનો લાભ ભાવનગર જિલ્લાના ખેડૂતોને નહીં મળે. ભાવનગર જિલ્લાના મહુવા, ભાલ, સિહોર વગેરે પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે પાકને નુકસાન થયું હોવાની ચર્ચાઓ ખેડૂતોમાં ચાલી રહી છે. રાજ્ય સરકારે રાહત પેકેજમાં માત્ર 5 જિલ્લાનો જ સમાવેશ કર્યો હોવાથી, ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો માની રહ્યા છે કે તેમના વિસ્તારમાં પણ વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે અને તેમને પણ સહાય મળવી જોઈએ.
