સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વડોદરા શહેરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ડભોઈ રોડ પર આવેલા જય નારાયણ નગરમાં મધરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે કુલ ₹15.51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

SMC ની ટીમે બાતમીના આધારે જય નારાયણ નગર-2 માં લિસ્ટેડ બુટલેગર આતિશ ઠાકોરના ઘર પાસે રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન રોયલ સ્ટેગ, રોયલ ચેલેન્જ, ઓલ્ડ મંક રમના જથ્થા સહિત કુલ 2765 બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે ₹10,16,107/- થાય છે. આ જથ્થો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ડિસ્ટિલરીઓમાંથી સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.
દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી એક કાર (કિંમત ₹5,00,000/-), બે મોબાઈલ ફોન (કિંમત ₹30,000/-), એક ટ્રાય સાયકલ (કિંમત ₹5,000/-)
અને રોકડ રકમ સહિત કુલ ₹15,51,227/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી બે શખ્સો, (1) બાબુભાઈ લાહરીયાભાઈ રાઠવા (છોટાઉદેપુર) અને (2) અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવ (વડોદરા) ને ઝડપી પાડી વાડી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. જ્યારે દારૂનો મુખ્ય ગ્રાહક આતિશ વિનોદભાઈ ઠાકોર, સપ્લાયર બંસીલાલ રાઠવા, લાલસિંગ રાઠવા સહિત કુલ 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે.
SMC એ આ મામલે વાડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ‘ભારતીય ન્યાય સંહિતા(BNS) ની સંગઠિત ગુનાખોરી અંગેની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

