વડોદરામાં માંડવીના એમ.જી રોડ પર અંબે માતાના મંદિરની સામે આવેલી ચકાભાઇ જ્વેલર્સ નામની દુકાનમાં જયરાજ રજનીકાંતભાઈ રાજપુત (રહે-રામજી નગર, વારસિયા રીંગરોડ) મેનેજર તરીકે નોકરી કરે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 11:30 થી 12:00 વાગ્યાના અરસામાં એક ગ્રાહક અમારી દુકાનમાં કામ કરતાં હેલ્પર બહેન ધારાબેન સોહિલભાઈ વ્યાસની પાસે આવ્યો હતો અને લવ પેટનની અલગ-અલગ સોનાની વીંટી બતાવવા માટે કહ્યું હતું.

જેથી દુકાનમાં કામ કરતા સ્ટાફના માણસોએ આ ગ્રાહકને ટ્રેમાં જુદી-જુદી પેટર્નની વીંટીઓ બતાવી હતી. વીંટીઓ જોયા બાદ આ પેટર્ન મને પસંદ નથી તેવું કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ દુકાનમાં કામ કરતાં બહેને ટ્રેમાં રાખેલી સોનાની વીંટીની ગણતરી કરતા એક વીંટી ઓછી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો 8.340 ગ્રામ વજનની સોનાની વીંટી કિંમત રૂપિયા 75 હજારની નજર ચૂકવીને લઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. સિટી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

