GUJARAT : વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત

0
9
meetarticle

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં 25 વર્ષથી ફરાર હત્યાના એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. ઉત્તર પ્રદેશથી ઝડપી લવાયેલા  60 વર્ષીય નિરાલા પ્રસાદે લોકઅપમાં જ જીવન ટૂંકાવી લેતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

25 વર્ષ જૂનો હત્યાનો ગુનો અને આરોપીની ધરપકડ

મળતી માહિતી અનુસાર, 16મી એપ્રિલ 2000ના રોજ વડોદરા-સાવલી રોડ પર અંકિતા સ્ટીલ કંપની નજીક આવેલી ગટરમાંથી એક મહિલાની સળગી ગયેલી લાશ મળી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી નિરાલા પ્રસાદે તેની પત્નીની કેમિકલ છાંટી સળગાવીને હત્યા કરી હતી અને લાશને કોથળામાં ભરી ગટરમાં ફેંકી દીધી હતી. આ ગુના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. તાજેતરમાં જ વડોદરા પોલીસે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.

ધરપકડ બાદ આરોપી નિરાલા પ્રસાદને ભાદરવા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેણે કસ્ટડીમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ભાદરવા પોલીસ મથકે પહોંચી ગયા હતા. હાલ મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જેથી મૃત્યુના ચોક્કસ સમય અને કારણની જાણકારી મળી શકે.

વડોદરામાં કસ્ટોડિયલ ડેથની બીજી ઘટના

નોંધનીય છે કે, વડોદરામાં લોકઅપમાં આપઘાતની આ બીજી ઘટના છે. અગાઉ શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા રમેશ વસાવા નામના શખ્સે સ્વેટરની દોરી વડે લોકઅપના શૌચાલયમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બંને ઘટનાઓએ પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદીઓની સુરક્ષા અને નિરીક્ષણ સામે સવાલો ઊભા કર્યાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here