GUJARAT : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા વસ્તી ગણતરી–૨૦૨૬ યોજાઈ,

0
12
meetarticle

પોરબંદર જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને જળચર પક્ષીઓના સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી, ગુજરાત દ્વારા જળચર પક્ષીઓની વસ્તી ગણતરી–૨૦૨૬ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ‘વિશ્વ વેટલેન્ડ ડે’ના અવસરે કચ્છ જિલ્લાના ‘છારી-ઢંઢ’ વેટલેન્ડને રામસર સાઈટનો દરજ્જો મળ્યો છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે અને રાજ્યનું પાંચમું રામસર વેટલેન્ડ બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પોરબંદરનું મોકરસાગર વેટલેન્ડ રામસર સાઈટ તરીકે જાહેર કરવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે તેમજ અન્ય એક વેટલેન્ડ માટે પણ પ્રક્રિયા ચાલી રહી છે.


પર્યાવરણના જતન માટે વેટલેન્ડની અનિવાર્યતા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે, વેટલેન્ડ માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ માનવ જીવન અને પર્યાવરણીય સંતુલન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. નવી પેઢી અને નાગરિકોમાં વેટલેન્ડ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની અપીલ તેમણે કરી હતી.
વન વિભાગ તથા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી જેવા સંગઠનોના નિઃસ્વાર્થ પ્રયાસોને બિરદાવતા મંત્રીએ જણાવ્યું કે, લોકોની જનભાગીદારીના કારણે જ રાજ્યમાં ગ્રીન કવર અને વન્યજીવનનું સંરક્ષણ શક્ય બન્યું છે. વન્યજીવોની સમૃદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, બરડા ડુંગરમાં સિંહોનું સફળ પુનઃસ્થાપન થયું છે અને ત્યાં હવે સિંહોનો પરિવાર વસે છે. આ સાથે ગુજરાત એશિયાનું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં સિંહ, દીપડો, વાઘ અને ચિત્તા એમ ચારેય ‘બિગ કેટ’ જોવા મળશે.
કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ વાઈલ્ડલાઈફ સર્કલના વન સંરક્ષક ડૉ. રામરતન નાલા (IFS), પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ એમ. ચાંદગઢે (IFS), રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામતભાઈ ભમ્મર, એસીએફ રાજલબેન પાઠક સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતના પ્રમુખ ડૉ. બકુલ ત્રિવેદી, પોરબંદર બર્ડ કાઉન્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ઉદય વોરા, સામતભાઈ ઓડેદરા, ભીમભાઈ ઓડેદરા, હાથિયાભાઈ ખૂંટી તેમજ ઉદ્યોગ જગતમાંથી નિર્મા લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ આશિષ જોશી અને સૌરાષ્ટ્ર કેમિકલ્સના જનરલ મેનેજર વી.જી. પટોળીયા સહિત પક્ષી ગણતરીમાં ભાગ લેનાર ઉત્સાહી સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here