વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ૨૪ વર્ષથી પોલીસને હાથતાળી આપી રહેલા હથિયારધારી લૂંટના રીઢા આરોપીને મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
વર્ષ ૨૦૦૨માં ધરમપુરના દરબાર કમ્પાઉન્ડમાં ફ્રૂટના વેપારીના ઘરે આરોપી મહેશભાઈ જગનું પ્રજાપતિએ તેના સાથીદારો સાથે મળી દેશી તમંચા વડે લૂંટનો પ્રયાસ કર્યો હતો અને વેપારીને લોહીલુહાણ કરી ફરાર થઈ ગયો હતો.

આ ગુનામાં આરોપીઓએ દમણથી ચોરેલી મોટરસાયકલ પર બનાવટી નંબર પ્લેટ લગાવી ઉપયોગ કર્યો હતો. છેલ્લા ૨૪ વર્ષથી નાસતા ફરતા આ આરોપીને ઝડપવા LCBની ટીમે ૬ મહિના સુધી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી નાસિકના પેઠ ગામમાં રહી વાસણ વેચવાની ફેરી કરતો હતો. વલસાડ LCB ની ટીમે એક મહિના સુધી નાસિકમાં કેમ્પ નાખી વોચ ગોઠવ્યા બાદ આરોપી મહેશ પ્રજાપતિને હરસુલ-પેઠ રોડ પરથી દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે ધરમપુર પોલીસને સોંપ્યો હતો.

