વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બે દાયકા જૂના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પારડી પોલીસ મથકે નોંધાયેલા બનાવટી દસ્તાવેજોના ગંભીર ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી પોલીસને થાપ આપતા આરોપીને એલ.સી.બી.એ છોટાઉદેપુર ખાતેથી દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ, વર્ષો જૂના વણઉકેલાયેલા ગુનાઓના આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત વલસાડ એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈ.પી.કો.ની વિવિધ કલમો હેઠળના ગુનાનો આરોપી નેના રામ ઉર્ફે નરેશ ગણેશા રામ સુથાર (ઉ.વ. ૫૫, મૂળ રહે. રાજસ્થાન) હાલ છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં છુપાયેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
આ આરોપી છેલ્લા ૨૦ વર્ષથી પોતાની ઓળખ છુપાવી પોલીસ પકડથી દૂર ભાગતો હતો. પકડાયેલ આરોપીનો કબજો મેળવી વલસાડ એલ.સી.બી.એ તેને વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે પારડી પોલીસને સોંપ્યો છે.

