વાલિયા-વાડી માર્ગ પર ડહેલીના દીનેશ્વર મહાદેવ મંદિર નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા હાઈવા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા વાલિયા તાલુકાના પીઠોર ગામના ૨૫ વર્ષીય યુવાન પિયુષ વસાવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન પોતાના ઘરેથી વાલિયા ખાતે ગેરેજ પર કામ અર્થે જઈ રહ્યો હતો, ત્યારે કાળ બનીને આવેલા ટ્રકે તેને મોતની ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનને સારવાર મળે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને માર્ગ પર ગમગીની છવાઈ ગઈ હતી. વાલિયા પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત બાદ યુવાનના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
