વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત સપ્તાહે થયેલા અકસ્માતનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે અને આરોપી ફોર વ્હીલર ચાલકને ઝડપી પાડ્યો છે.
ગત તારીખ ૦૨/૦૯/૨૦૨૫ના રોજ વાલીયાના સીલુડી ચોકડી પાસે ઇન્દિરા કોલોની તરફ જવાના રસ્તા પર એક ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે ઇજાગ્રસ્તને ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ, તારીખ ૦૯/૦૯/૨૦૨૫ના રોજ ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેને પગલે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વાલીયા પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વાલીયા-નેત્રંગ રોડ, વાલીયા ચાર રસ્તા અને સીલુડી ચોકડી સહિતના વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે, પોલીસે અકસ્માત કરીને નાસી ગયેલી GJ-16-CH-3869 નંબરની ટાટા ટિયાગો ફોર વ્હીલર ગાડીને શોધી કાઢી હતી.
ગાડીના નંબરના આધારે પોલીસે તેના માલિક કિશોરભાઈ છગનભાઈ પટેલ (રહે. કોસમડી, તા. અંકલેશ્વર)નો સંપર્ક કરીને તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને આ અકસ્માત મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

