ઘોઘા તાલુકાના વાળુકડથી સિહોર તાલુકાના ટાણાને જોડતા વાયા ખરકડી અને દેવગાણા રોડની તદ્દન બીસ્માર હાલત થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષથી કાચા થીગડા મારીને ચલાવવામાં આવે છે. આથી વાહનચાલકો અને ગ્રામજનો તોબા પોકારી ગયા છે.

ખરકડી ખાતે લઘુમતીઓનું તીર્થસ્થાન તથા અગિયાળી ખાતે ગણેશ આશ્રમ સનાતનીઓનુ તીર્થસ્થાન આવેલ છે. ઉપરાંત ૨૦ હજારની વસ્તી ધરાવતું દેવગાણા ગામ તથા ખરકડી, અગીયાળી અને ખાંટડી મળીને કુલ ૩૫ હજારની વસ્તી માટે ભાવનગરને જોડતો આ રોડ તદ્દન ખાડાની હાલતમાં છે. કોઈપણ વાહન ૧૦ કિ.મી.ની ગતીથી વધારે ચાલી શકે તેમ નથી. રસ્તો દસેક વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો, અસલ રોડનુ ક્યાય અસ્તિત્વ રહ્યુ નથી. હવે સળંગ તુટી ગયેલા રોડમાં થીગડા ચલાવી લેવાય તેમ નથી. કમરતોડ રોડના કારણે યાત્રાળુઓ અને ભાવનગર આવાગમન કરતા લોકો માટે તદ્દન હાલાકીનું કારણ બન્યો છે. અગીયાળી,દેવગાણા,ખરકડી અને ખાંટડી માટે આ રોડ ધોરી નસ સમાન છે તેમ છતાં હજુ સુધી તંત્રની આંખ ખુલી નથી, અત્યાર સુધી એકપણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે નેતાઓને આ રસ્તો ધ્યાને આવ્યો નથી. સત્તાધીશો દ્વારા આ રોડ નજીકના ભવિષ્યમાં નવો બનાવવા માટે આયોજન કરવામાં નહીં આવે તો ત્રણ ચાર ગામના લોકો સાથે મળીને લોકતંત્ર રાહે આંદોલન હાથ ધરવામાં આવશે તેવુ આગેવાનો આક્રોશભેર જણાવી રહ્યા છે. હાલ સિંગલ પટ્ટી આ રોડ ટુ લેન બનાવવાની અને તાકીદે નવો બનાવવાની ઉગ્ર માંગ ઉઠવા પામેલ છે.

