ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગે મિલકત વેરો વસુલવા માટે જપ્તી ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે શહેરના નિર્મળનગર વિસ્તારના એક કોમ્પ્લેક્ષમાં મિલકત વેરો નહીં ભરતા કેટલાક આસામીઓની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતાં.

શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ શ્રીજી રત્ન કોમ્પ્લેક્ષમાં ૩૦ દુકાનનો છેલ્લા ચાર વર્ષનો ૯૦ લાખથી વધુનો મિલકત વેરો બાકી હતો તેથી મહાપાલિકાએ વેરો ભરી દેવા જણાવ્યુ હતુ પરંતુ તેમ છતાં મિલકત ધારકો વેરો ભરતા ન હતા તેથી શુક્રવારે મહાપાલિકાના ઘરવેરા વિભાગની રીકવરી ટીમે ૩૦ દુકાનને સીલ મારી દીધા હતા, જેના પગલે મિલકત ધારકોમાં દોડધામ મચી જવા પામી હતી. મહાપાલિકાએ દુકાનને સીલ મારતા કેટલાક મિલકત ધારકોએ વેરો ભરી દીધો હતો અને જેેણે મિલકત વેરો ભર્યો હતો તેની દુકાનના સીલ ખોલી નાખવામાં આવ્યા હતા તેમ માહિતી આપતા મહાપાલિકાના રીકવરી વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું. મહાપાલિકાની કડક કામગીરીના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે અને ઘણા બાકીદારો વેરો પણ ભરી રહ્યા છે. મિલકત જપ્તીની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.

