ભાવનગર : શિહોરમાં કાર લે-વેચનો વ્યવસાય કરતા વેપારી સાથે મહેસાણાના વિસનગરના શખ્સે કાર વેચાણના નામે રૂ.૩.૧૫ લાખની છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધ્યો હતો.

સિહોરમાં કાર લે-વેચનો વ્યવસાય કરતા હરિચંદ્રસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદાથી ધવલ પટેલ નામના શખ્સનો ફોન આપ્યો હતો. જેમણે કાર વેચવાની તથા વ્યાજબી ભાવ કરી આપવાની વાત કરી હતી અને કાર એક ભાઈ તેમને કાર બતાવી ગયા હતા. જે બાદ ધવલભાઈએ આંગડિયું કરી દેશો તો કારની ડિલિવરી મળી જશે તેમ જણાવ્યું હતું. જે બાદ હરિચંદ્રસિંહે રૂ.૩.૧૫ લાખ આંગડિયા પેઢીમાં મોકલી આપ્યા હતા. બાદમાં કારની ડિલિવરી માટ તેમનો સંપર્ક કરતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હોય અને અમદાવાદ ખાતે તપાસ કરતા ધવલ પટેલ નામનો વ્યક્તિ મળ્યો નહોતો. જે બાદ ગત તા.૩૦-૯ના રોજ અખબારમાં જૂનાગઢમાં કાર બાબતે પિયુષ મહેશભાઈ પટેલ નામના શખ્સે છેતરપિંડી આચરી હોવાના સમાચાર વાંચ્યા હતા. જેની તેમણે તપાસ કરતા આ શખ્સે જ તેમની સાથે નામ બદલીને છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે હરીચંદ્રસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલે સિહોર પોલીસ મથકમાં પિયુષ મહેશભાઈ પટેલ (રહે.કાનસા, તા.વિસનગર,જી.મહેસાણા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

