ભૂતકાળના વેરઝેર, આંતરિક ખટરાગ, દુશ્મનાવટ અને કલેશને કોરાણે મુકી આવતીકાલે ગોહિલવાડવાસીઓ હૈયાના હરખ સાથે નૂતનવર્ષના ઓવારણાં લેશે. દિવાળી-બેસતા વર્ષ વચ્ચેના પડતર દિવસમાં બજારમાં ખરીદીની રોનક જોવા મળી હતી. ભાઈ-બહેનના અસ્ખલિત પ્રેમ અને લાગણીને દર્શાવતા ભાઈબીજના પર્વની ગુરૂવારે ઉજવણી કરાશે. રવિવારે લાભ પાંચમ સાથે દિવાળીના પ્રકાશ પર્વનું સમાપન થશે.

ગોહિલવાડવાસીઓએ ભૂતકાળને ભૂલી દિવાળીના પ્રકાશ પર્વની ઉજવણી કર્યા બાદ કાલે તા.૨૨-૧૦ને બુધવારે હિન્દુ વર્ષ વિક્રમ સંવત ૨૦૮૧ને વિદાય આપી બેસતા વર્ષ વિ.સં.૨૦૮૨ના વધામણાં કરવામાં આવશે. નવા સપનાઓની ઊર્મિ અને અપેક્ષાઓ સાથે મિત્રો-સ્નેહીજનો, પરિવારજનો એક-બીજાને બેસતા વર્ષના રામ.. રામ.. કહીં ગળે મળી મુખવાસ-મીઠાઈથી મોં મીઠા કરી મંગલકામનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવશે. સુખમય જીવન અને સમૃદ્ધિના આશિષ સાથે વડીલો બાળકો અને પ્રિયજનોને રોકડ રૂપે શકુનવંતી ભેટ આપશે. વેપારીઓ નવા વર્ષનું શુભ મુહૂર્ત સાચવવા દુકાન ઉઘાડી કારીગરોને બોણી આપશે.નાના-મોટા તમામ દેવાલયોમાં નૂતન વર્ષે ભગવાન સન્મુખ અન્નકૂટ ધરાશે. દેવચરણોમાં શિશ ઝુકાવવા વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે. આવતીકાલથી શરૂ થતાં નૂતન વર્ષના પ્રથમ સૂર્યોદયના કિરણો ગોહિલવાડવાસીઓ માટે આરોગ્યની સમુદ્ધિ, વેપાર-ધંધામાં ઉજળી તેજી અને વિકાસ-પ્રગતિ ક્ષેત્રે નવો સૂર્વણ સમય લઈને આવે તેવી અભ્યર્થના સાથે ‘ગુજરાત સમાચાર પરિવાર’ તરફ વાચકો, એજન્ટબંધુઓ અને ગોહિલવાડના તમામ પ્રજાજનોને વિ.સં. ૨૦૮૨નું શુભં ભવતુ, નવવર્ષમ્…
દેવસ્થાનોએ દર્શનની પરંપરા યથાવત, હજારો ભક્તો પદયાત્રાએ જશે
દિવાળી-બેસતા વર્ષ બાદ દેવસ્થાનોએ જઈ દર્શનની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર સહિત જિલ્લાભરમાંથી ચોટીલા, રણુજા (રાજસ્થાન), શીરડી સહિતના સ્થળોએ હજારોની સંખ્યામાં ભક્તો પદયાત્રાએ જશે. બેસતા વર્ષ, ભાઈબીજ અને ત્રીજના દિવસે પદયાત્રા સંઘો પ્રસ્થાન કરાશે. જેમાં ભાઈ-બહેનો, વૃદ્ધો અને બાળકો હોંશભેર જોડાશે. પદયાત્રિકો માટે રસ્તામાં ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમતા રહેશે.

