• ભારતની વિદેશ નીતિ હવે “નરેન્દ્ર સરેન્ડર” જેવી બની ગઈ: રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના પીએમ પર આકરા પ્રહારો.
• “નરેન્દ્ર, સરેન્ડર” કહી ટ્રમ્પ નિર્ણય લે છે? ટ્રમ્પ જે કહે તે ભારત માને છે?
• ભારતના નિર્ણયો ભારત જ લેશે એવો સ્પષ્ટ સંદેશ અમેરિકાને આપવા માગણી
• ઈન્દિરા ગાંધીના ઉદાહરણ સાથે મોદીની વિદેશ નીતિ પર નિશાન સાધ્યું
રાજ્યસભામાં કોંગ્રેસના ગુજરાતથી સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિ હવે “નરેન્દ્ર સરેન્ડર” જેવી બની ગઈ છે. તેમણે કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે કહે છે તે પ્રમાણે ભારત નિર્ણય લેતું હોય એવું લાગી રહ્યું છે.ગોહિલે જણાવ્યું કે આપણા વડાપ્રધાન એટલા નબળા અને ટ્રમ્પના આદેશ સામે નમતા જોવા મળે છે તે જોઈને આશ્ચર્ય અને દુઃખ થાય છે. ટ્રમ્પ ભારતને કહે કે યુદ્ધ બંધ કરો તો નવી દિલ્હી તે માને છે. ટ્રમ્પ ઓઇલ ક્યાંથી ખરીદવું તે નક્કી કરે અને ભારત તેને સ્વીકારી લે છે. ગોહિલે કહ્યું કે ટ્રમ્પ માત્ર એટલું કહે કે “નરેન્દ્ર, સરેન્ડર” અને ભારત સરકાર તરત જ તેને માનતી હોય એવું લાગે છે.
ગોહિલે વધુમાં જણાવ્યું કે ભાજપ વારંવાર દાવો કરે છે કે વિશ્વમાં ભારતનું સ્વાભિમાન અને પ્રતિષ્ઠા વધી છે. પરંતુ આવી “નરેન્દ્ર સરેન્ડર” પ્રકારની શાસનશૈલી દેશના ગૌરવને નુકસાન પહોંચાડે છે. એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ટ્રમ્પ સામે ઊભા રહેવાની હિંમત નથી. ટ્રમ્પ કહે કે યુદ્ધ બંધ કરો અને આપણે બંધ કરીએ. ટ્રમ્પ કહે કે રશિયાથી ઓઇલ ન ખરીદો અને આપણે તે માની લઈએ. મને ખબર નથી કે એ એપ્સ્ટિન ફાઇલ્સના કારણે છે કે અન્ય કોઈ કારણ છે, પરંતુ મોદીજી ‘નરેન્દ્ર સરેન્ડર’ સિદ્ધાંતને અનુસરે છે. તેમણે કહ્યું કે મોદીજી, અમે તમારી સાથે છીએ. ડરશો નહીં. હિંમત એકઠી કરો અને ટ્રમ્પને કહો કે તમે જુઠ્ઠા છો. તેમના આ વિધાનને રાજ્યસભામાં કેટલાક સભ્યોએ તાળીઓથી વધાવી લીધુ હતું.
દરમિયાનમાં પત્રકારો સાથે વાત કરતાં ગોહિલે જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ શક્તિ પણ છે. તેમ છતાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં કહે છે કે તેમણે ભારતને યુદ્ધ અથવા વ્યૂહાત્મક નિર્ણય અંગે સૂચના આપી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તરત જ કોઈ જોરદાર જવાબ જોવા મળતો નથી. ગોહિલે કહ્યું કે વોશિંગ્ટન પ્રત્યેનો આ અભિગમ હવે “નરેન્દ્ર સરેન્ડર” નીતિ તરીકે ઓળખાઈ રહ્યો છે, કારણ કે ટ્રમ્પ ભારતના નિર્ણયો અંગે જાહેરમાં મોટા દાવા કરે ત્યારે મોદી તેનો જવાબ આપવા તૈયાર દેખાતા નથી.

તેમણે પ્રશ્ન કર્યો કે અમેરિકા કેમ નક્કી કરે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદી શકે કે નહીં. સરકાર કહે છે કે ભારતનું ગૌરવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધી છે, પરંતુ જો એવું હોત તો શું અમેરિકા આપણા નાગરિકોને હાથકડી પહેરાવીને પાછા મોકલત?ઈતિહાસને યાદ કરતા ગોહિલે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ એક અમેરિકન રાષ્ટ્રપતિને સ્પષ્ટ કહી દીધું હતું કે ભારત કયા ચોખા ખાય તે નક્કી કરવાનો અધિકાર અમેરિકા પાસે નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવા નિર્ણયો ભારત અને ભારતના લોકો કરશે, અમેરિકા નહીં.
ગોહિલે આરોપ લગાવ્યો કે હવે આપણા પાસે એવા વડાપ્રધાન છે જે અમેરિકા સામે ભારતના હિતો સમર્પિત કરવા તૈયાર દેખાય છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ માત્ર “નરેન્દ્ર, સરેન્ડર” કહે અને ભારત તરત જ માન્ય રાખે છે.
તેમણે જણાવ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા વ્યૂહાત્મક સ્વતંત્રતા પર આધારિત રહી છે. તેનો અર્થ એ છે કે રાજદ્વારી, રક્ષણ અને ઊર્જા ખરીદી જેવા નિર્ણયો નવી દિલ્હી પોતે લે છે. આ સિદ્ધાંત વર્ષોથી અનેક નેતાઓએ વિકસાવ્યો હતો અને તેમણે હંમેશા ભાર મૂક્યો હતો કે ભારત દરેક વૈશ્વિક શક્તિ સાથે સંબંધ રાખશે પરંતુ કોઈ સામે ઝૂકશે નહીં.
ગોહિલે કહ્યું કે જો સરકાર આત્મવિશ્વાસ ધરાવતી હોય તો આવા દાવાઓનો જાહેરમાં સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. પરંતુ “નરેન્દ્ર સરેન્ડર” જેવી સ્થિતિને કારણે હવે એવી ધારણા બનતી જાય છે કે અમેરિકા જાહેરમાં ભારતના નિર્ણયો અંગે બોલી શકે છે અને તેને કોઈ પ્રતિભાવ મળતો નથી.
