GUJARAT : સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ

0
9
meetarticle

અમદાવાદના સાણંદ અને આસપાસના વિસ્તારોમાં રાહદારીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી એક ખતરનાક રિક્ષા ગેંગનો સાણંદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક મહિલા સહિત ચાર આરોપીઓને દબોચી લીધા છે.

આરોપીઓ પેસેન્જર બનીને આપતા હતા ચકમો

મળતી માહિતી અનુસાર, આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક લૂંટને અંજામ આપતી હતી. આરોપીઓ પોતાની સીએનજી (CNG) રિક્ષામાં અગાઉથી જ પેસેન્જર તરીકે બેસી જતા, જેથી રસ્તા પર ઉભેલા વૃદ્ધોને શંકા ન જાય. 31મી માર્ચના રોજ બાવળા રોડ પરથી પસાર થતા એક વૃદ્ધને રિક્ષામાં બેસાડ્યા બાદ આરોપીઓએ અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષા થોડે દૂર પહોંચતા જ એક આરોપીએ વૃદ્ધને છરી બતાવી ડરાવ્યા હતા, જ્યારે અન્ય બે શખસોએ વૃદ્ધને માર મારી ઈજા પહોંચાડી હતી. આરોપીઓ વૃદ્ધના શર્ટમાં લાગેલા એક તોલા વજનના સોનાના 4 બટન લૂંટીને ફરાર થઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ

વૃદ્ધની ફરિયાદ બાદ સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનો મુખ્ય આરોપી 44 વર્ષીય પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી તેની સામે ચોરી, લૂંટ, જુગાર અને દારૂના કુલ 18 જેટલા ગુના નોંધાયેલા છે. 44 વર્ષીય દિલીપ જખવાડિયા સામે પણ ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે. અન્ય આરોપીઓમાં 50 વર્ષીય વિજય પટણી અને મહિલા આરોપી પૂનમ જંદાવડાનો સામેલ છે. જેમાં મહિલા આરોપી પૂનમ સામે પણ અગાઉ ગાંધીનગર સેક્ટર-21 અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટના 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા સોનાના બટન, રિક્ષા, 5 મોબાઈલ ફોન અને છરી સહિત કુલ 3,11,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની કડક પૂછપરછમાં આ ગેંગે બાવળામાં પણ આ જ પ્રકારે એક વ્યક્તિ પાસેથી 12000 રૂપિયા લૂંટી લીધાની કબૂલાત કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here