હાંસોટ તાલુકાના સુનેવ કલ્લાં ગામ સ્થિત હરસિદ્ધિ માતાજીના મંદિરે છઠ્ઠો વાર્ષિક મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. રાયમાના અનિલ મહારાજ અને અમરોલીના રાજીવ પંડ્યાના હસ્તે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યોજાયેલા હોમ-હવન અને યજ્ઞમાં ૮ દંપતીઓએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. યજ્ઞ બાદ વિધિવત ધ્વજારોહણ અને માતાજીની વિશેષ આરતી-પૂજા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ મહોત્સવમાં સ્થાનિક ગ્રામજનો સહિત સુરત, કોસંબા, અંકલેશ્વર, વડોદરા અને છેક મુંબઈથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
